Step-by-Step Textbook Solutions for Class 10 Gujarati અહેવાલલેખન
Review structured textbook solutions for Class 10 Gujarati અહેવાલલેખન. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Download અહેવાલલેખન Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 10 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
અહેવાલલેખન એક કલા છે. અહેવાલ એટલે કોઈ એકાદ પ્રસંગ, ઘટના કે પરિસ્થિતિની લેખિત નોંધ.
અહેવાલ લખવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
1. અહેવાલમાં ઘટનાને લગતી સંપૂર્ણ માહિતીને તથા પરિસ્થિતિને વ્યવસ્થિત ક્રમમાં રજૂ કરવી.
2. બનેલી ઘટનાનું અહેવાલમાં વર્ણન કરવાનું હોય છે. તેથી બધું લખાણ ભૂતકાળમાં હોવું જોઈએ.
3. અહેવાલમાં બિનજરૂરી શબ્દો, શબ્દસમૂહો, વાક્યખંડ કે વાક્યોનો ઉપયોગ ન કરવો તેમજ આલંકારિક ભાષાનો પણ ઉપયોગ ન કરવો.
4. પ્રસંગ કે ઘટનાનો અહેવાલ તટસ્થભાવે તૈયાર કરવાનો હોય છે એટલે તેમાં અહેવાલ તૈયાર કરનારે પોતાનો અંગત અભિપ્રાય આપવો નહિ.
5. અહેવાલની ભાષા સાદી, સરળ, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ. એમાં પ્રસંગ કે ઘટનાની રજૂઆત એવી રીતે કરવાની હોય છે કે વાચક તે પ્રસંગ કે ઘટનાથી સંપૂર્ણ વાકેફ થઈ શકે.
6. સમગ્ર વિષયવસ્તુને ખ્યાલમાં રાખીને અહેવાલનું શીર્ષક આપવું.
7. ઘટના કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ તે માટે નક્કી થયેલા ગુણ પ્રમાણે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવો.
Question 1. તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તકબૅન્કના ઉદ્દઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer:
પુસ્તકબૅન્ક
ભાવનગર,
તા. 28 - 12 - 2019
ગયા વર્ષે અમારી શાળા શ્રવણ વિદ્યાધામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તકબૅન્ક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો અને તે માટે પૂરતો સહકાર આપવાની ઇચ્છા દર્શાવેલી.
પ્રિન્સિપાલની સંમતિ મળતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 3થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયનાં પાઠ્યપુસ્તકો પુષ્કળ સંખ્યામાં એકઠાં કર્યાં. ભાવનગર ગામની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ દાનવીરોના નાણાકીય સહકારથી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર, કમ્પ્યુટર તથા અન્ય સામગ્રીઓ મેળવી.
પ્રિન્સિપાલે શાળાના પુસ્તકાલયની બાજુમાં જ એક અલગ વિશાળ ખંડ પુસ્તકબૅન્ક માટે ફાળવ્યો. શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થી સ્વયંસેવકોએ મળીને જુદાં જુદાં કબાટોમાં પુસ્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં. એક બાજુ કમ્પ્યુટર મૂક્યું હતું. એમાં પુસ્તકોને લગતી સંપૂર્ણ માહિતી feed કરી દીધી હતી.
બંને બાજુ કેટલાંક ટેબલ - ખુરશી ગોઠવ્યાં હતાં. આ વિશાળ ખંડને રંગબેરંગી ફૂલોનાં તોરણથી સજાવ્યો હતો. તા. 27 - 12 - 2019ના દિવસે ઉદ્ઘાટનના કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદનાથી થયો. ત્યારપછી પુસ્તકબૅન્કનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગામની સેવાભાવી સંસ્થાના અગ્રગણ્ય મહાનુભાવો, પ્રતિષ્ઠિત સજ્જનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેટલાક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું.
છેવટે પ્રિન્સિપાલે આ પુસ્તકબૅન્ક જેવા ઉમદા કાર્યમાં સહકાર આપનાર અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થનાર જિલ્લા શિક્ષણ અધિકારી, ગામની સેવાભાવી સંસ્થા, દાતાઓ, અન્ય મહેમાનો તથા વિશેષ તો જેમને આવો સુંદર વિચાર આવ્યો અને જેમની જહેમતથી આ કાર્ય પાર પડ્યું એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેનો આભાર માન્યો. કાર્યક્રમના અંતે સૌ ભોજન કરી છૂટા પડ્યા.
Exam Tip: For report writing, remember to include the place and date, maintain a chronological order of events, and use formal, objective language without personal opinions.
Question 2. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર છાપાજોગ અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer:
સ્વચ્છતા અભિયાન
ભરૂચ,
તા. 24 - 12 - 2019
પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે “નિર્મળ ગુજરાત” અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કૉલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયાં.
તા. 22 - 12 - 2019ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી ‘નિર્મળ ગુજરાત’ પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક - એક શિક્ષકની સાથે દસ - દસ વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી.
શાળાના પ્રાંગણમાં સાવરણાં, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવ્યાં હતાં. સવારના 8.00 વાગ્યે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી, તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું.
બે - ત્રણ ટીમે મળીને શાળાની દીવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાઈ ત્યાં આછોપાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફસફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલાં ફૂલોનાં તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યાં.
થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથપગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતાં કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટાં પડ્યાં. આમ, સવારના 8.00 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6.00 વાગ્યે સમાપ્ત થયું.
Exam Tip: When writing about an event like a cleanliness drive, mention the date, location, key participants, activities undertaken, and the overall impact or message conveyed.
Question 3. તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
શાળામાં યોજાયેલો રમતોત્સવ
સુરત,
તા. 29 - 01 - 2020
જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો.
પછી શાળાના વ્યાયામશિક્ષક શ્રી પ્રફુલભાઈએ સોને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ “રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાનશ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રકટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો.
પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વૉલીબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતો શરૂ થઈ. નાનાં બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળાદોડ, ત્રિપગી દોડ, સંગીતખુરશી, દેડકાદોડ અને લીંબુચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલાં અનેક રમૂજી દશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળાફેંક, ભાલાફેંક, બરછીફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામશિક્ષક સાહેબની રમૂજશૈલીમાં આપેલી “રનિંગ કૉમેન્ટરી'થી વાતાવરણ આનંદથી ઝૂમી ઊઠ્યું હતું.
આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયૂર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા.
Exam Tip: A good report on a sports festival should detail the opening ceremony, types of games, participant categories, any special events, and the closing ceremony, including prize distribution.
Question 4. તમારી શાળાનો વિદ્યાર્થી કે શાળાની વિદ્યાર્થિની ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યાં છે. એના સન્માનમાં શાળામાં યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં જણાવો.
Answer:
સમ્માન - સમારંભ
ગુંડ, તા. 30 - 06 - 2019
તા. 28 - 06 - 2019નો દિવસ શાળા માટે ગૌરવનો હતો. અમારી શાળાની વિદ્યાર્થિની પૂર્વ જોશી ગુજરાત બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી હતી. તે માટે શાળાએ સમ્માન - સમારંભ રાખ્યો હતો.
સો વિદ્યાર્થીઓએ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. સમ્માન - સમારંભના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું.
ત્યારપછી આચાર્યો મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કર્યું. શાળાનો પરિચય આપતાં આચાર્યું પૂર્વ જોશીની સિદ્ધિને બિરદાવી. મુખ્યમંત્રીના હસ્તે પૂર્વ જોશીને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને શિક્ષણમંત્રીના હસ્તે પુષ્પગુચ્છ તથા સ્કૉલરશિપનો ચેક અર્પણ કરવામાં આવ્યાં.
Exam Tip: To write a strong report on an felicitation ceremony, include details about the achievement, special guests, their speeches, and the awards or recognition given to the achiever.
Question 5. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
શૈક્ષણિક પ્રદર્શન
અમદાવાદ, તા. 20 - 12 - 2019
અમારી સી. એન. વિદ્યાલય શાળામાં ગયા અઠવાડિયે તા. 12 - 12 - 2019ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી.
શાળાના સૌ કોઈએ આ પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો.
આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત કેટલાંક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યાં હતાં.
મહાન વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ શોભતા હતા. ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેનાં ચિત્રો અને મૉડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ઇતિહાસ વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો, તેમનાં જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી.
કેટલાક કવિઓનાં હસ્તલિખિત કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ હતો.
હૉલમાં વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વરસ્તુતિ અને કેટલાંક કાવ્યોના ગાનની રેકર્ડ સતત સાંભળવા મળતી હતી.
આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો.
Exam Tip: When describing an educational exhibition, focus on specific subjects or sections, types of projects displayed, notable attractions, and the audience engagement. Ensure to use descriptive language.
Question 6. તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer:
પ્રજાસત્તાકદિનની ઉજવણી
દાહોદ, તા. 28 - 1 - 2020
26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત વાગ્યે શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયાં હતાં.
ધોરણ 10ની પરીક્ષામાં 92 % ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.
આશિષે તેના વક્તવ્યમાં દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવાનો દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને પતાસાં વહેંચવામાં આવ્યાં.
પ્રજાસત્તાકદિન નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો,
“અમર શહીદ નામનું એકાંકી અને એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો.
કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા.
અગિયાર વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.
Exam Tip: For a Republic Day celebration report, cover the flag hoisting ceremony, important speeches, cultural programs, and any special recognitions. Conclude with the overall feeling or message of the event.
Question 7. આ વખતે તમારા ગામમાં લાગલગાટ ત્રીજા વર્ષે કારમો દુકાળ પડ્યો છે. શહેરમાં યોજાયેલા તમારા ગામવાસીઓના એક સ્નેહસંમેલનમાં રજૂ કરવા માટે, ગામની સ્થિતિ વિશેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer:
દુષ્કાળગ્રસ્ત ગામની નજરે જોયેલી સ્થિતિનો અહેવાલ
અમદાવાદ, તા. 15 - 4 - 2020
વહાલા ગ્રામવાસીઓ, આપણું ગામ છેલ્લાં ત્રણ વર્ષથી દુષ્કાળના કારમા પંજામાં સપડાયેલું છે. શહેરમાં વસતા જે લોકોએ આપણા ગામની મુલાકાત લીધી હશે તેમને ગામની વિકટ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હશે.
અહીં હું આપણા ગામની દારુણ સ્થિતિનો અહેવાલ ટૂંકમાં રજૂ કરું છું અને આપ સૌને આપણા ગામના લોકોને મદદ કરવા હાર્દિક વિનંતી કરું છું.
ડુંગરની તળેટીમાં આવેલું અને બારે માસ હરિયાળું રહેતું આપણું રળિયામણું ગામ સુખપુર સતત ત્રણ વર્ષના દુષ્કાળને લીધે તદ્દન ઉજ્જડ બની ગયું છે. ડુંગરા બાંડા થઈ ગયા છે. વૃક્ષો ટૂંઠાં બની ગયાં છે.
ગામના એકેય હેન્ડપંપમાં પાણી આવતું નથી. સરકારી તંત્ર આપણા ગામને ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડે છે, પરંતુ ઢોરોના ઘાસચારા અને પાણી માટે કોઈ સગવડ કરવામાં આવી નથી. આથી આપણા ગામનું પશુધન ભૂખ અને તરસે મરી રહ્યું છે.
કેટલાય ગોપાલકો પોતાનાં ઢોરઢાંખરની સાથે હિજરત કરી ગયા છે. કેટલાંય લોકો પોતાનાં ઢોરોને પાણીના મૂલે વેચી રહ્યા છે. પશુપાલન અને ખેતી પર આધારિત લોકોની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. ગામમાં દૂધ અને અનાજની તીવ્ર અછત પ્રવર્તે છે.
સરકારે આપણા ગામમાં રાહતકામો શરૂ કર્યા છે. ગામના મોટા ભાગના લોકો રાહતકામોમાં મજૂરી કરવા જાય છે, પરંતુ તેમાંથી તેમને ખપ પૂરતું ધાન મળી રહેતું નથી.
આપણા ગામવાસીઓની વહારે ધાવું એ આપણી નૈતિક ફરજ છે. આપણે તેમને સુખડી અને ઘાસચારો પહોંચાડવાનો પ્રબંધ કરીને આપણા બાંધવોનાં આંસુ લૂછી શકીશું.
Exam Tip: A drought report should describe the severe impact on water sources, agriculture, livestock, and the daily lives of the villagers. Also, mention any government aid or community initiatives.
Question 8. તમારી શાળામાં એસ.એસ.સી.ના વિધાર્થીઓને વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો.
Answer:
એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
ભાવનગર, તા. 11 - 2 - 2020
તા. 10 - 2 - 2020ના રોજ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થનાખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચ્યા. સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાયસમારંભ શરૂ થયો. અમારા વર્ગશિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું.
વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્યશ્રી ગોવિદભાઈ પટેલે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો.
અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળાજીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. અમારા શિક્ષકોએ અમને એસ.એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીકાળને માનવજીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને જીવનઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી.
તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું.
Exam Tip: A report on a farewell ceremony should highlight the date, venue, decorations, speeches by students and faculty, advice given to outgoing students, and the overall emotional tone of the event.
Question 9. તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ
રણોલી, તા. 30 - 4 - 2020
અમારી શાળા “સાર્વજનિક વિદ્યાલય’ના અંગ્રેજી વિષયના સનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર વયમર્યાદાના કારણે આ વર્ષે નિવૃત્ત થવાના હતા. તેમનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં તા. 25 - 4 - 2020ના રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો. પછી શ્રી બચુભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સમ્માનપત્ર એનાયત કરીને સમ્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીનાં ભરપેટ વખાણ કર્યા.
આ સૌ વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી બચુભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યાં હતાં. શ્રી બચુભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહિ.
શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને Rs 21,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી બચુભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતમાં સૌને આઇસક્રીમ વહેંચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું.
Exam Tip: When drafting a report on a teacher's retirement, ensure to include the date, location, distinguished guests, the teacher's contributions, speeches, and any gifts or honors bestowed upon them.
Question 10. નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે, તે હકીકતનું વર્ણન કરતો આશરે એકસો શબ્દોમાં અહેવાલ તૈયાર કરો.
Answer:
પૂરે વેરેલો વિનાશ
બાલાસિનોર, તા. 8 - 10 - 2019
છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એકધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયાં છે.
મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યાં છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહીકાંઠાના કેટલાંક ગામોમાં અને ખેતરોમાં મહી નદીનાં પાણી ફરી વળ્યાં છે. કાચાં મકાનો ધરાશાયી થઈ ગયાં છે. પાકાં મકાનોમાં ચાર - ચાર ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે.
લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહીકાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો ત્રણ - ત્રણ દિવસથી કંઈ પણ ખાધાપીધા વગર બેસી રહ્યા છે.
સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈ કાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે.
વરસાદનું જોર ઘટતાં ધીમેધીમે પૂરનાં પાણી ઓસરવા માંડ્યાં છે. પરંતુ ઠેરઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવકીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગરવાડા પુલનો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે તેથી આ પુલ પરનો સમગ્ર વાહનવ્યવહાર પણ થંભી ગયો છે.
સરકારી મદદ તો મળતાં મળશે પરંતુ સામાજિક સંસ્થાઓએ તો રાહતકાર્ય શરૂ પણ કરી દીધું છે. આથી અસરગ્રસ્તોને ઠીકઠીક રાહત મળી રહી છે.
Exam Tip: A report on flood damage should clearly describe the extent of the damage, affected areas, rescue efforts, and the post-flood situation, including challenges faced by residents and relief operations.
Question 11. 5મી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
વૃક્ષારોપણદિનની ઉજવણી
વડોદરા, તા. 10 - 6 - 2019
અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂનને વૃક્ષારોપણદિન તરીકે ઊજવવામાં આવ્યો હતો.
શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં, જેમાં “એક બાળ, એક ઝાડ’; વૃક્ષ જતન, આબાદ વતન; “વૃક્ષો વાવો, વરસાદ લાવો’; વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો' વગેરે સૂત્રો લખેલાં હતાં.
શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણદિન નિમિત્તે ઉદ્ઘાટનવિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું.
પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યારપછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વૃક્ષારોપણદિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો, માનવ મિત્ર નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્રસ્પર્ધા, "વૃક્ષો' વિશેની વક્તૃત્વસ્પર્ધા, વૃક્ષો માટેનાં ટ્રી - ગાર્ડ્ઝ, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વનભોજન – આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણદિન અમારા માટે માઇલસ્ટોન બન્યો અને ખૂબ આનંદદાયી રહ્યો.
Exam Tip: For a tree plantation report, describe the occasion, preparations, key participants, planting activities, slogans, and any related events like speeches or competitions, highlighting the importance of environmental conservation.
Question 12. તમારી શાળામાં યોજાયેલ “શિક્ષકદિનની ઉજવણીનો : અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
શિક્ષકદિનની ઉજવણી
પાટણ, તા. 6 - 9 - 2019
પાંચમી સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યે અમારી પાટણની પ્રસિદ્ધ નૂતન વિદ્યાલયમાં ઉમંગભેર શિક્ષકદિન ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના સભાગૃહને વીજળીનાં તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદ્ગત, વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનું ભવ્ય તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.
શિક્ષકદિન સમારંભના અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ વિરાજમાન હતા. તમામ શિક્ષકો, શાળા - સમિતિના પ્રમુખ તેમજ સભ્યો, નિમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ સમયસર આવી પહોંચ્યા હતા.
સરસ્વતીદેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત - ગીત રજૂ કર્યું. શાળાના આચાર્યશ્રી પટેલસાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી રાધાકૃષ્ણનના તૈલચિત્રને પુષ્પહાર પહેરાવ્યો.
પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે શિક્ષકના જીવનની હૃદયસ્પર્શી ચિતાર આપી શિક્ષકદિનનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું. અન્ય વક્તાઓએ પ્રસંગાનુરૂપ ટૂંકાં પ્રવચનો કર્યા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
શ્રી મોહનલાલ પટેલે સમાજના ઘડતરમાં શિક્ષકનું પ્રદાન સ્પષ્ટ કરી શિક્ષકજીવનના આદર્શ રજૂ કર્યા.
વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને શાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. શાળા - સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગાલાએ શાળામાં ‘શિક્ષક - કલ્યાણ નિધિ’ની સ્થાપનાની જાહેરાત કરી. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષકદિન સમારંભની પૂર્ણાહુતિ થઈ.
Exam Tip: A Teacher's Day report should detail the date, venue, decorations, presence of dignitaries, speeches highlighting the role of teachers, student performances, and any special gestures or announcements made.
Question 13. તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ “રક્તદાનશિબિર' વિશે આશરે એકસો શબ્દોમાં અહેવાલ લખો.
Answer:
રક્તદાન શિબિર
અમદાવાદ, તા.15 - 10 - 2019
અમારી શાળા ઉત્કર્ષ વિદ્યાવિહારમાં દર વર્ષે “રક્તદાનશિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.14 - 10 - 2019ના રોજ અમારી શાળામાં રેડક્રોસ સાથે મળીને રક્તદાનશિબિર યોજાઈ હતી.
અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને ‘રક્તદાન’ વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. તેનાથી કોઈના લાડકવાયાની જિંદગી બચાવી શકાય છે.
રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી. સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ માસે 250 મિલિ જેટલું રક્ત આપી શકે છે.
અમારી શાળાના ધોરણ 11 અને 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં ઠેરઠેર રક્તદાનની સમજ આપતાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં.
તેમાં ‘રક્તદાન શ્રેષ્ઠ દાન’, “રક્ત આપો, જીવન બચાવો’, ‘રક્તદાન મહાદાન” જેવાં અનેક સૂત્રો લખેલાં હતાં. રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યાં હતાં. શાળા તરફથી દરેક રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરી, બૉલપેનની ભેટ આપવામાં આવી હતી.
કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાતઅનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમને અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો.
Exam Tip: A blood donation camp report should cover the organizers, date, purpose, awareness activities, number of donors, facilities provided, and any special recognitions, emphasizing the life-saving impact of blood donation.
Question 14. તમે જોયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer:
માલપુર નજીક થયેલો ગંભીર બસ અકસ્માત
માલપુર, તા. 10 - 6 - 2019
ગયા શનિવારે મોડાસા જવાના માર્ગ પર માલપુર નજીક એક એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. સામસામેથી પૂરઝડપે આવી રહેલાં એસ.ટી. બસ અને ખટારો ધડાકાભેર અથડાઈ ગયાં હતાં. આથી બસ અને ખટારાનો આગળનો ભાગ ભાંગીતૂટીને સાવ ભંગાર જેવો થઈ ગયો હતો.
ખટારાના ધક્કાથી બસ રસ્તાની બાજુમાં ઊતરીને ઊંધી વળી ગઈ. નસીબસંજોગે તે વખતે બસમાં મુસાફરોની સંખ્યા માત્ર પંદર જેટલી જ હતી.
તેમાંથી પાંચેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં બસનો ડ્રાઇવર માર્યો ગયો હતો. ખટારાનો ડ્રાઈવર ખટારો છોડીને ભાગી ગયો હતો. ધડાકાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસનાં ગામોમાંથી ઘણા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગામલોકોએ ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી સાચવીને બહાર કાઢ્યા અને તેમને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં પહોંચાડ્યા. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોમાંથી એકની સ્થિતિ હજુ ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ માલપુરથી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી. એસ.ટી.ના જનરલ મૅનેજર પણ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા. ત્યારપછી તેમણે મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોને આશ્વાસન આપ્યું.
આ અકસ્માતમાં ઈજા પામેલાઓને વ્યક્તિદીઠ Rs 2000નું વળતર આપવાની એસ.ટી. કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે.
Exam Tip: An accident report should provide clear details of the incident, including the date, location, vehicles involved, causes, casualties, rescue efforts, and follow-up actions by authorities. Maintain an objective tone.
Free study material for Gujarati
Free GSEB Textbook Explanations: Class 10 Gujarati અહેવાલલેખન
Accessing અહેવાલલેખન Solutions
Access structured GSEB textbook solutions for અહેવાલલેખન. Designed in alignment with the latest academic curriculum for Class 10 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Concept-Driven Answers for Class 10 Gujarati
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 10 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 10 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અહેવાલલેખન Solutions in printable PDF format for offline study on any device.