Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati નિબંધલેખન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.
Detailed નિબંધલેખન GSEB Solutions for Class 12 Gujarati
For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these નિબંધલેખન solutions will improve your exam performance.
Class 12 Gujarati નિબંધલેખન GSEB Solutions PDF
નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
1. સૃષ્ટિનો શણગાર અલબેલી વસંત - વસંતનો વૈભવ
મુદ્દા: પ્રસ્તાવના - ઋતુક્રમ - વસંતનો વૈભવ - માનવજીવન પર અસર - ઉપસંહાર
કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ મુખ્ય ઋતુઓ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ પોતપોતાની આગવી વિશેષતાથી માનવજીવનને વિવિધતાથી ભરી દે છે. બધી ઋતુઓના શિરમોર જેવી વસંતને કોઈ 'ઋતુરાજ' કહે છે તો કોઈ 'ઋતુઓની મહારાણી' કહે છે.
વસંત એટલે પ્રકૃતિનું નવયોવન, સમગ્ર સૃષ્ટિમાં નવી ચેતનાનું અને પ્રસન્નતાનું પ્રાણતત્ત્વ. વસંત એટલે રાગ, ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહનો સરવાળો. કવિ મનોજ ખંડેરિયાએ સાચું જ કહ્યું છે:
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કે નથી, પગલાં વસંતના.
વસંતમાં વન ઉપવન સોળે કળાએ ખીલી ઊઠે છે. ફૂલોની ફોરમ ચોતરફ ફેલાય છે. પ્રકૃતિના કણકણમાં વસંત પોતાના ભરપૂર યૌવન સાથે ડોલવા લાગે છે. આ સમયે કોયલ કલશોર કરીને વસંતને વધાવે છે.
આમ્રકુંજમાં પાપીહા પુકાર કરીને વસંતને આવકારે છે. વસંત એટલે રંગોત્સવ, મબલખ ફૂલોની છાબ એટલે જ વસંત. ફાગણ માસમાં કેસૂડાનાં ફૂલોનો રંગોત્સવ. વસંતના વધામણાં વનમાં અને જનમાં છૂપા ન રહે.
વસંત એ ઈશ્વરનું એક અમૂલ્ય વરદાન છે. આ ઋતુમાં વસંતપંચમી, હોળી, ધુળેટી જેવા તહેવારો લોકો ધામધૂમથી ઊજવે છે. વસંતમાં ભ્રમણ કરવું એ સ્વાસ્થ્યપ્રદ છે. વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય ગામડામાં વધુ જોવા મળે છે. વધારે ગરમી નહિ, વધારે ઠંડી નહિ એવું આહ્લાદક વાતાવરણ આ ઋતુમાં જ ઊભું થાય છે. વૃક્ષો વસંતઋતુ બેસતાં જ નવાં પર્ણ ધારણ કરે છે.
મલયાનિલોની પીંછી ને રંગી ફૂલોના લે
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
ઉદ્યાનમાં ગુલાબ, ચંપો, જૂઈ અને મોગરાનું સામ્રાજ્ય જોવા મળે છે. વિવિધ ફૂલોનો રસ લેનારા ભમરા પોતાના ગુંજનથી વાતાવરણને ગજાવી મૂકે છે. રંગબેરંગી પાંખોવાળા પતંગિયા અને મધમાખી મધુરસની મોજ માણતી હોય છે. વસંતનો વૈભવ માનવીઓના મન પર અજબ કામણ કરે છે. તેઓ અબીલ, ગુલાલથી વસંતને વધાવે છે. વસંત તો આનંદનું ચિરંતન ગાન છે. યૌવનની સરિતા એટલે વસંત. આનંદ, ઉમંગ, સંગીત, નૃત્ય, સુગંધ અને સૌંદર્યનો ખજાનો.
અંતે વસંતના વૈભવ માટેની પંક્તિઓ:
ઊડે છે ઠેરઠેર ફુવારાઓ રંગના,
મને થાય છે કે
કંટક ક્યાંથી હોય વસંતનો અનુભવ,
ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો.
2. દૂરદર્શનના લાભાલાભ
મુદ્દા: પ્રસ્તાવના - ટેલિવિઝનની શોધ અને વિકાસ - ટેલિવિઝનના લાભ - ગેરલાભ - ઉપસંહાર
વીસમી સદીના ઉત્તરાર્ધની સૌથી લોકપ્રિય કોઈ વૈજ્ઞાનિક શોધ હોય તો તે દૂરદર્શનની. આ સદીમાં થયેલી અનેક વૈજ્ઞાનિક શોધોને લીધે માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થયું છે. વિવિધ શોધોને કારણે માનવજીવન વધારે આરામદાયક બન્યું. પણ સૌથી વધારે કોઈ શોધ માનવજીવન સાથે ઓતપ્રોત થઈ હોય તો તે છે દૂરદર્શન.
બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનનો સૌપ્રથમ પ્રયોગ બી. બાયર્ડ ઈ. સ. 1926માં કરેલો અને રંગીન ટેલિવિઝનનો પ્રયોગ ઈ. સ. 1928માં કરેલો. ટેલિવિઝનના ઉત્પાદન, પ્રસારણ અને અદ્યતન સુવિધાએ બે-ત્રણ દાયકામાં તો વિશ્વના દરેક દેશમાં હરણફાળ ભરી. જાતજાતના અનેક વિશિષ્ટતાવાળા ટેલિવિઝન અસ્તિત્વમાં આવ્યા. સેટેલાઇટને કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ શક્ય બન્યું.
ટીવી પર આપણે ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયામાં બનતા બનાવો અને વિવિધ તાજા સમાચારો જોઈ શકીએ છીએ. સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો આ પ્રસારણ માધ્યમથી જોઈ શકીએ છીએ. નાટક, સંગીત, નૃત્ય, કવિતા વગેરે દરેક વ્યક્તિ પોતાના રસરુચિ અનુસાર જોઈ શકે છે. દુનિયામાં થતી અવનવી વૈજ્ઞાનિક શોધોથી આપણે માહિતગાર થઈએ છીએ.
ટીવી પર પ્રસારિત થતા ઘણા કાર્યક્રમો જ્ઞાનવર્ધક પણ હોય છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે સરળતાથી શિક્ષણ આપે છે. ઘણી વખત અનુભવી શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાનના વિષયો પણ શીખવવામાં આવે છે. મોટેરાઓ માટે રામાયણ, ભાગવત સપ્તાહ અને વિવિધ ધર્મોના જીવંત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. ટીવી પર આપણે સહકુટુંબ ચલચિત્રો પણ જોઈ શકીએ છીએ, જેને કારણે સમય અને પૈસાનો બચાવ થાય છે.
ક્રિકેટ, ફૂટબૉલ, હૉકી જેવી રમતોના જીવંત પ્રસારણને કારણે મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી. ઘણા કાર્યક્રમોથી બાળકોને અનેક પ્રવૃત્તિ મળી રહે છે.
આ ઉપરાંત કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ, યુદ્ધ, આતંકવાદ વગેરેની આગાહીથી લોકો સાવચેતીના પગલાં લઈ શકે. આ અહેવાલો ટીવી પર રજૂ કરીને અસરગ્રસ્ત લોકો માટે સહાય પણ મેળવી શકાય. આમ, ટીવી એ જ્ઞાન સાથે મનોરંજન અને લોકોને દુનિયા સાથે જોડતું એક ઉત્તમ દશ્ય-શ્રાવ્ય સાધન છે. જેને તેનો લાભ ઉઠાવતા આવડે એ જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવી શકે છે.
એક સિક્કાની બે બાજુની જેમ ટીવીના ઘણાં ગેરલાભ પણ છે. ટીવીને કારણે સૌથી વધારે અસર સામાજિક સંબંધો પર પડી છે. આપણા સામાજિક સંબંધો નહિવત્ થતા જાય છે. બાળકોના અભ્યાસ અને તેના માનસ પર માઠી અસર પડે છે. વધારે ટીવી જોવાને કારણે બાળકોની આંખો નબળી પડે છે. હિંસાનાં દશ્યો કુમળા માનસ પર ખરાબ અસર કરે છે.
ટીવી પર બતાવવામાં આવતી લોભામણી જાહેરાતો બિનજરૂરી ખરીદી કરાવીને નાણાંનો દુર્વ્યય કરાવે છે. ગૃહિણીઓ સિરિયલોની અસરને કારણે ગેરમાર્ગે પણ દોરવાય છે. ઘણી વખત ટીવી પાછળ સમયનો દુર્વ્યય નિષ્ફળતા અપાવે છે.
3. મારા શૈશવનાં સંસ્મરણો
મુદ્દા: પ્રસ્તાવના - અણમોલ બાલ્યાવસ્થા - બાળપણની સ્મૃતિઓ - શાળાજીવનની મધુર યાદો - ઉપસંહાર
મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી,
નિખાલસ સમત્વ ને અનઘ એક આનંદની.
મનસુખલાલ ઝવેરીનું "હું તો ચહુ કાવ્યની આ પંક્તિ ખરેખર બાળપણની વિલક્ષણતા સ્પષ્ટ કરે છે. શૈશવ એટલે જ જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સ્ફૂર્તિદાયક પ્રભાત. શૈશવ માનવજીવનનો અમૃતસ્ત્રોત છે. બાળપણ આજે તો એક સુમધુર સ્વપ્ન કે સંભારણું બની ગયું છે. જીવનનું એ પરોઢ પલકમાત્રમાં વહી ગયું. એ પંક્તિ યાદ આવ્યા વિના ન જ રહે "માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક લ્હાવો છે."
બાળક પાંચ વર્ષ સુધી પૂરેપૂરું પરાવલંબી હોય છે. માતાની મમતાનું કેન્દ્ર બાળક છે. મા જગતનો આધાર છે. બાળક વાતવાતમાં હઠ પકડે ત્યારે મા તેને મનાવવા - રીઝવવા અનેક પ્રયત્ન કરે છે. આવું તો બાળપણમાં જ બને ને! બાળક રિસાયેલો, હઠે ચડેલો, તોફાને ચડેલો અંતે ઘણાં આંસુ સારીને, તોફાન અને ધમપછાડા બાદ પ્રફુલ્લ થઈને માની ગોદમાં બેઠેલો 'છોડ પર ખીલેલા ફૂલ' જેવો લાગે છે.
હું લગભગ ત્રણેક વર્ષની હતી ત્યારનાં થોડાં સંસ્મરણો હજુ મારા મનમાં સચવાયેલા છે. કેવા મજાના હતા એ દિવસો! મા જ મારી દરેક જરૂરતની કાળજી રાખતી. મને જમાડવા આખા ઘરમાં મારી પાછળ દોડતી માને હું કદી નહીં ભૂલી શકું. માની મમતા, પિતાનું અગાધ વહાલ, દાદા-દાદીનું ઉપરાણું કદી નહીં વિસરાય. એ જ શૈશવનું અમૂલ્ય સંભારણું છે.
શૈશવનાં સંસ્મરણોમાં બીજું સ્થાન બાલમિત્રોનું છે. બાળપણના એ મિત્રો ભલે ઘણાં દૂર હોય, ભલે ક્યારેય મળવાનું ન થતું હોય પણ ભવભૂતિનાં એ શબ્દો યાદ આવે કે તે દિવસો તો ગયા જ. બાળપણની એ યાદોમાં ઝઘડા, તોફાન, મસ્તી અને રિસામણાં-મનામણાં તો ખરા જ.
શૈશવની એ સૃષ્ટિમાં પાછા ફરવા હું અંતરના ઊંડાણથી ઝાંખી રહી છું. "ફરી બનવા ચહું હું, પ્રભુ! બાળ નાનું અહો!" બાળપણના કંઈ કેટલાં સંભારણાં આ પળે મનમાં ઊભરાય છે. પણ આજે શૈશવના એ મધુર સ્વપ્નો રહ્યા નથી. સમયની સાથે હું મોટી થઈ. એક શુભ દિવસે મને શાળામાં દાખલ કરવામાં આવી. પહેલી વાર મારી વાત કોઈએ ન સાંભળી. પરાણે બાલમંદિરમાં એક જ જગ્યાએ ચાર કલાક બેસી રહેવું પડ્યું. શિસ્તપાલનની આ નવી દિનચર્યામાં ગોઠવાતા ઠીકઠીક વખત થયો.
મારું શાળાજીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં ઘણાં સારા મિત્રો મળ્યા. ખરેખર એ મિત્રતા આજે પણ ચિરસ્મરણીય બની રહી છે. મિત્રો સાથે વિતાવેલો એ સમય હું કદી નહીં ભૂલી શકું.
મારા મિત્રો એક એકથી ચડિયાતા હતા. હંમેશાં પ્રથમ આવવાની હોડ રહેતી પણ મિત્રતામાં કદી કોઈ ખોટ નહિ. અમારા સાહેબે અમને શિક્ષકો ખૂબ સારા મળ્યા હતા. તેઓ ખૂબ માયાળુ હતા. આ ઉપરાંત રમતગમતની અનેક હરીફાઈઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે આગળ પડતા હતા માટે આચાર્ય અને શિક્ષકોનો સ્નેહ મળ્યો હતો.
સરકી જાય પળ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જળ!
ખરેખર પળ સરકી ગઈ, ક્યાં ગયું મારું બાળપણ! ક્યાં શોધું એને અરે હા! ખેલતાં-કૂદતાં બાળકોમાં ચાલો માણીએ બાળપણ સંસ્મરણોમાં ...
4. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર
મુદ્દા: પ્રસ્તાવના - ભ્રષ્ટાચારની માનવજીવન પર અસર - વિવિધ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર - ઉપસંહાર
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!
કરસનદાસ માણેકરચિત ઉપર્યુક્ત પંક્તિઓ વિશ્વવ્યાપી ભ્રષ્ટાચારની વાસ્તવિકતા બની ગઈ છે. ભ્રષ્ટાચારરૂપી અજગરે શિષ્ટાચારરૂપી આદર્શોને ભરડામાં લઈ લીધા છે. જગતના લોકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા, માનવતા, ઉદારતા વગેરે ન્યૂન થતાં જોવા મળે છે.
ભારતની મુલાકાતે આવેલા રશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ખુશેવે કહ્યું હતું કે, "અહીં આવ્યો એ પહેલાં હું નાસ્તિક હતો. પણ એકવીસ દિવસની ભારતયાત્રા દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તે પરથી ખાતરી થઈ ગઈ કે ઈશ્વર જરૂર છે નહિ તો આવડા મોટા દેશનું સંચાલન એના વિના શક્ય નથી.
દેશનું સંચાલન ભગવાન ભરોસે જ થઈ રહ્યું છે. આ કટાક્ષ વચન આજે પણ આપણી છાતીમાં બાણની જેમ વેદના કરી રહ્યું છે. એ સાચું પણ છે ભલે એ રાજદ્વારી પુરુષ હયાત ન હોય આપણે અત્યારે પણ દાણચોરો, ભ્રષ્ટાચારીઓ, શોષણખોરો અને કાળાબજારિયાઓને હાથે પીંખાઈ રહ્યા છીએ.
ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે. દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના મૂળિયાં ઊંડે સુધી ઉતાર્યા છે એનું મુખ્ય કારણ માણસ સફળતા અને ધનની પાછળ આંધળો બની ગયો છે. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. 'જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ' એ ન્યાયે ભ્રષ્ટાચાર માનવજીવન પર અંકુશ જમાવી બેઠો છે. શિષ્ટાચાર માત્ર જોડણીકોશમાં આપેલો શબ્દ હોય તેમ નિરર્થક બની ગયો છે.
દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
ખરેખર સમાજના વરવા રૂપને આ પંક્તિઓ યથાર્થ કરે છે. સમાજમાં મોટા મોટા ભ્રષ્ટાચારીઓ પ્રતિષ્ઠિત મહાનુભાવ તરીકે ઉચ્ચ સ્થાન પર હાલે છે. જ્યારે નાની ચોરી કરનારા ચોરને મોટી સજા થાય છે. આ ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર થયો ને માત્ર રાજકારણ જ નહિ પણ શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર પણ ભ્રષ્ટાચારરૂપી નાગચૂડમાંથી બાકાત નથી. પ્રાચીન સમયમાં શિક્ષણને કલા, જ્ઞાન અને ક્ષમતાપ્રાપ્તિનું સ્થાન ગણવામાં આવતું હતું.
તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠોમાં જ્ઞાન મેળવનાર પોતાને ધન્ય માનતો. પણ આજે ઘણી શિક્ષણ સંસ્થાઓ ભ્રષ્ટાચાર અને અનીતિના અડ્ડા જેવી બની ગઈ છે. સત્તા પાસે શાણપણ નકામું એમ સામાન્ય પ્રજા જાણે અજાણે આ ભ્રષ્ટાચારને સાથ આપે છે.
ઘણી વખત વિદ્યાર્થીનાં માતાપિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે. "લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે" એ કોઈએ સાચું જ કહ્યું છે. શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર માત્ર વ્યક્તિને નહિ પણ સમાજને નુકસાન પહોંચાડી રહ્યો છે.
લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણે કહ્યું છે કે, લોકશાહી, આઝાદી, ક્રાંતિના તમામ લાભ જેના માટે ઝઝૂમ્યા હતા. એ બધા ભ્રષ્ટાચારના ઉદરમાં સમાઈ જશે. પૂજ્ય ગાંધીજીએ પોતાની જાતને હોડમાં મૂકીને જે આપણને શીખવ્યું હતું તે શું ચાલીસ વર્ષમાં આપણે ખોઈ નાખ્યું?
શું આપણે ભ્રષ્ટાચારને ફૂલતોફાલતો જ રાખવો છે? શું આપણે દેશપ્રેમી બનીને 'ભ્રષ્ટાચાર મુર્દાબાદ, શિષ્ટાચાર ઝિંદાબાદ' એવી હાકલ નથી કરવી? આજથી નહીં, હમણાંથી જ શરૂઆત કરીએ.
5. કુદરતનાં હાસ્ય અને તાંડવ - પ્રકૃતિના રમ્ય-રૌદ્ર
મુદ્દા: પ્રસ્તાવના - કુદરતનાં રમણીય રૂપો - કુદરતનાં ભયાનક રૂપો - ઉપસંહાર
"સર્જન વર્ગોમાં, સંહાર ક્ષણમાં કુદરત એ કુદરત ને માનવી એ માનવી. કુદરતને કોઈ ન પહોંચે. એ રીઝે ત્યારે માલામાલ કરી સુખી કરે છે અને રૂઠે છે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં હતું ન હતું કરી દે છે. કુદરતની લીલા અકળ છે. તેની ગતિ ન્યારી છે. કુદરત સામે મનુષ્ય હંમેશાં પાંગળો જ છે. નવસર્જન એનું રમ્ય રૂપ છે અને સંહાર તેનું રૌદ્ર રૂપ છે."
પ્રકૃતિનાં રમ્ય રૂપો એ માનવજાત અને સમગ્ર જીવસૃષ્ટિ માટે આશીર્વાદ છે. વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે. 'વૃક્ષો એ જ જીવન છે' એ ન્યાયે જીવનદાત્રી છે. ઉષા અને સંધ્યાની અનુપમ રંગછટા, શરદની મનમોહક ચાંદની પૂનમની શીતળતામાં, આભની અટારીએ તારાઓના ઝગમગાટમાં, મુક્ત વિહાર કરતાં વાદળાઓમાં કુદરતની પ્રસન્નતા વિલસે છે.
કુદરતનાં રમ્ય રૂપો સરિતાનો ખળખળ વહેતો પ્રવાહ, સરોવરની કુમળી ઊર્મિ જેવા જલતરંગો, હિમાચ્છાદિત શિખરો, લીલીછમ વનરાજી, હરિયાળાં ખેતરો અને રંગબેરંગી પુષ્પોની સુવાસમાં પ્રકૃતિનો ઉલ્લાસ છલકે છે. મેઘધનુષના સાત રંગોમાં કુદરતની સર્જનશક્તિના દર્શન થાય છે.
આ ઉપરાંત ઝરણાનો કલનાદ, પંખીઓનો મધુર કલશોર, બાળકનું હાસ્ય અને માતાની મમતામાં પણ કુદરત જ નજરે પડે છે. ખરેખર કુદરતે છૂટા હાથે દિલની ઉદારતાથી સૌંદર્યનો સુભગ સમન્વય કર્યો છે.
જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય,
એહ નિયમ અવિનાશનો, જાય તે જાય.
ખરેખર કવિએ સાચું જ કહ્યું છે જે પોષતું તે મારતું એ ક્રમ 'દિસે છે કુદરતી.' કુદરત અતિ ભયાનક રૂપ ધારણ કરે છે ત્યારે થોડી જ પળમાં હતું ન હતું થઈ જાય છે. શહેરોનાં શહેરો ખંડેરમાં પલટાઈ જાય છે. વિશાળકાય પર્વતોનું સ્થાન અને નદીઓના વહેણ બદલાય જાય છે.
કુદરતનું પ્રલયકારી રૂપ યુગો સુધી ન ભુલાય એવા કાયમી નિશાનો મૂકી જાય છે. જ્વાળામુખી ફાટે ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં તેની વિનાશકતા પથરાય છે. અતિવૃષ્ટિ એટલે સાંબેલાધારે સતત પડતો વરસાદ. "અતિ સર્વત્ર વર્જયેત" સાચે જ આપણે કુદરતની ગતિને કોઈ સમજી શકતા નથી.
અનાવૃષ્ટિ એટલે વરસાદનો એક છાંટો પણ ન પડવો. આ પરિસ્થિતિમાં લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે. અનાજ, પાણી અને ઘાસચારા વિના મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓની અવદશા થાય છે. મૂંગા જીવો મોતને ઘાટ ઊતરે છે.
ખેતી પર નભતા ખેડૂતો અને મજૂરો દેવાદાર અને બેકાર બને છે. ક્રોધે ભરાયેલી કુદરત જ્યારે વાવાઝોડાના રૂપે ત્રાટકે છે ત્યારે વૃક્ષો, મકાનો અને વાહનવ્યવહારને ભારે નુકસાન પહોંચાડે છે. સમુદ્રમાં ઊઠતા ઝંઝાવાતો (સુનામી) કિનારાની સીમા છોડીને આસપાસના વિસ્તારોમાં કાળો કેર વર્તાવે છે. નાના માછીમારોથી લઈને હોડીઓ અને વહાણો સમુદ્રમાં ડૂબી જાય છે. સાચે જ અતિ સર્વત્ર વર્જયેત.
કુદરતની લીલા ખરેખર દાદ માગી લે છે. એને કળવું, ઝીરવવું અને તેનો સામનો કરવો ખૂબ કપરું કાર્ય છે. કુદરતના સર્જન અને વિનાશના ચક્રો સદા ગતિમાન રહે છે. કદાચ આપણને જીવન રહસ્ય સમજાવી જાય છે કે, સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડૂબી ન જવું. કેમ કે, એ તો કુદરતનો ક્રમ છે.
6. નારી તું નારાયણી
મુદ્દા: પ્રસ્તાવના - નારીનો મહિમા - સમાજ અને કુટુંબ માટે યોગદાન - ઉપસંહાર
"યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા:" આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત થયો હતો. પ્રાચીન કાળથી વેદ અને ઉપનિષદ કાળથી જ સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો. લોપામુદ્રા જેવી વિદુષીઓએ તેનો પ્રભાવ પૂર્ણ રીતે પ્રગટાવ્યો હતો.
નારી ખરેખર રત્નની ખાણ છે. તેના સમર્પણની ભાવના વિશ્વમાં અજોડ છે. મહાન ઋષિઓએ અનસૂયા, ગાર્ગી, સીતા જેવાં પ્રેરક અને ઉર્મિલા જેવાં સહનશીલ પાત્રનું સર્જન કરીને સમાજમાં સ્ત્રીઓનું જ ગૌરવ સિદ્ધ કર્યું છે.
નારી સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનની મૂરત છે. ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો પહેલો ધર્મ ગણ્યો. "બાળપણ જ બાળકીને તેનું જીવન એટલે માત્ર સેવા." એ સંસ્કારો ગલથુથીમાં મળ્યા છે. તે પોતાના સ્વજનની સેવામાં પોતાની જાત ઘસી નાખે છે. ધૂપસળીની જેમ પોતે જલતી રહીને
માત્ર સુવાસ જ ફેલાવે છે, તેમ નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પિત કરી દે છે. માટે કહી શકાય કે "નારી તું નારાયણી".
કૂદકે ને ભૂસકે આગળ વધતાં વિશ્વમાં પોતાનું અને પોતાના કુટુંબનું નામ અંકિત કરવા સ્ત્રી કંઈ પણ કરવા તૈયાર રહે છે. સમય આવ્યું રણચંડી પણ બની શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર વગેરે વીરાંગના પોતાની બહાદુરી દ્વારા અમર થઈ ગઈ. મૅડમ ક્યૂરી, ફ્લોરેન્સ નાઇટિંગલ અને મધર ટેરેસા વગેરેના જીવન નારીશક્તિની પ્રતીતિ કરાવે છે.
અર્વાચીન સમયમાં તો સ્ત્રી-પુરુષની સમોવડિયન જ નહિ પણ કદાચ તેનાથી કંઈક વધારે આગળ નીકળી ગઈ છે. આજે ભારતીય નારીએ સામાજિક, શૈક્ષણિક, વ્યાવસાયિક તેમજ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની છે તે છતાં ભારતીય નારીએ પોતાની ઉચ્ચ સંસ્કારિતા જાળવી રાખી છે.
સાથે સાથે પોતાનું આત્મસન્માન જળવાઈ રહે તેની કાળજી રાખે એ જ નારીનું ગૌરવ છે. સ્ત્રી દીકરી બનીને માતા-પિતાની પ્રતિષ્ઠા સાચવે છે. એક બહેન, પત્ની, માતા અને એક સ્ત્રી બનીને દરેક પાત્રમાં સફળ થાય તો આપણી પણ ફરજ છે કે જે માનસન્માનની એ હકદાર છે તે તેને આપીએ.
7. આપણાં પ્રેરણાસ્ત્રોત એ.પી.જે. અબ્દુલ કલામ
મુદ્દા: પ્રસ્તાવના - આપણાં પ્રેરણા રાહબર - મહાન પુરુષો - અબ્દુલ કલામની સિદ્ધિઓ - મહેનતનું પરિણામ - ઉપસંહાર
ભારતના તાજેતરના સમયના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન પામતા વ્યક્તિના જીવન પર નજર નાખતા આપણને જણાય છે કે આપણે કાંઈક જાણતા હતા પણ તેને નજરઅંદાજ કરતા હતા. તેમને કોઈ પણ પ્રકારનું આર્થિક પીઠબળ ન હતું.
તેમના પિતા ગામમાં પણ પ્રસિદ્ધ વ્યક્તિ ન હતા. તેઓ લઘુમતીમાં હતા અને શાળાકાળ દરમિયાન ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી ન હતા. કૉલેજમાં પણ તેઓ સામાન્ય વિદ્યાર્થી હતા. કૉલેજમાં તો તેમને સ્કૉલરશિપ બંધ કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી અને આખરે એવી નોકરી મળી કે જેમાં તેઓ કામ કરવા માટે ઇચ્છુક ન હતા, છતાં પણ તેઓ ભારતના ટોચના વૈજ્ઞાનિક બન્યા.
આપણને બધાને ખબર છે કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેઓ - ખૂબ જ વિનમ્ર, ધરતી સાથે જોડાયેલા અને સરળ વ્યક્તિ હતા.
આપણે નથી જાણતા તે વાત એ છે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે પણ ખૂબ જ મહેનતુ હતા. જીવનના તમામ સ્તરે તેમણે પોતાના સહકર્મીઓ કરતાં વધારે કામ કર્યું અને તેના કારણે જ તેમણે વધારે પ્રગતિ કરી. સાધારણ વિદ્યાર્થી તરીકે તેમણે અખબાર વિતરણનું કાર્ય કર્યું અને છતાં પણ અભ્યાસમાં સખત મહેનત કરતા, જેથી તેમને સ્કૉલરશિપ મળે.
સારી નોકરી મેળવવા માટે તેમણે કૉલેજમાં પુષ્કળ પરિશ્રમ કર્યો. નોકરી મળ્યા બાદ આપણને બધાને ખબર છે કે તેઓ હેલિકૉપ્ટર, મિસાઈલ્સ, ઉપગ્રહો, ન્યુક્લિઅર ટેસ્ટ વગેરેમાં કેટલા ઓતપ્રોત હતા. હા, તેઓ પ્રખર બુદ્ધિશાળી હતા. કદાચ તેઓને એ અણમોલ ભેટ મળેલી હતી પણ ભારતીય શાળાતંત્ર એ ઓળખી શક્યું નહીં. જોકે પ્રખર બુદ્ધિશાળી હોવા કરતાં પણ વધારે તો તેઓ સખત પરિશ્રમી હતા. આ જ સખત પરિશ્રમે તેમને આપણા દેશના એવા નેતા બનાવ્યા જેમના પ્રત્યે આપણને ગર્વ છે.
આળસુ બુદ્ધિશાળી જેવું કાંઈ જ હોતું નથી. જો જીવનમાં સફળ બનવું હોય તો તમારે તમારા બુદ્ધિના સ્તરને ધ્યાનમાં લીધા સિવાય સખત મહેનત કરવી જ પડે. હકીકતમાં એ.પી.જે. અબ્દુલ કલામે સાબિત કર્યું કે તમારા કાર્યમાં લોહી-પસીનો વહાવીને તમે તમારી બુદ્ધિનું સ્તર ઊંચે લઈ જઈ શકો છો. તેઓ અસામાન્ય શાળામાં ભણ્યા ન હતા, પરંતુ કારકિર્દી અને પોતાના દેશના ઘડતર માટે તેમણે જે અસામાન્ય પ્રયાસ કર્યા તેનાથી તેઓ અસાધારણ નેતા બની ગયા.
સખત પરિશ્રમ તમને વિનમ્રતા શીખવે છે. તેમની વિનમ્રતા અને દયાળુતા એવી હતી જે ક્યાંય શીખવી શકાય નહીં. માત્ર કેળવી શકાય. તેમના એક વક્તવ્યમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એક વખત તેમને પ્રોજેક્ટની સફળતા પર પૂર્ણ ભરોસો હતો કારણ કે તેમણે અને તેમની ટીમે બે વર્ષ સુધી તેના પર સખત પરિશ્રમ કર્યો હતો. ટીમમાં પૂરતા સંસાધન ધરાવતા ટોચના લોકો પણ હતા, પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. તેમણે પ્રોજેક્ટ છોડી ન દીધો અને છ મહિના વધારે મહેનત કરીને સફળતા મેળવી.
કોઈ પણ પ્રકારના પીઠબળ કે પૃષ્ઠભૂમિ વિનાના સરળ વ્યક્તિ આજે અદ્વિતીય નામના પેદા કરીને આ વિશ્વમાંથી વિદાય થયા છે. તેમણે સાબિત કર્યું છે કે વિશ્વમાં સૌથી વધારે ગરીબો ધરાવતા ભારતદેશમાં વિશ્વમાં સૌથી વધારે વૈજ્ઞાનિકો પેદા કરવાની પણ ક્ષમતા રહેલી છે.
8. ઉનાળાનો બપોર
મુદ્દા: ઉનાળાના બપોરનો વૈભવ - બપોરે વ્યાપેલી નિર્જનતા - પશુપંખીઓ પર અસર - માણસો પર અસર - ઉનાળાના લાભો - ઉપસંહાર
"આવ્યો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગનઝાળો"
શ્રી ઉમાશંકર જોશીએ આ કાવ્યપંક્તિઓમાં ધોમધખતા ઉનાળાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે. ઉનાળાના બપોરે સૂર્ય ધગધગતા અગનગોળા જેવો હોય છે. તેમાંથી અગ્નિની સેરો છૂટતી હોય એવું લાગે છે. આકાશ એકદમ સ્વચ્છ અને સ્તબ્ધ થઈ ગયેલું હોય છે. કોઈક વાર આકાશમાં એકાદ શ્વેત વાદળી કે ચકરાવો લેતી સમડી દેખાય છે; પણ તે સિવાય આકાશમાં શૂન્યતા જ નજરે પડે છે.
ઉનાળાના ધોમધખતા બપોરે સમગ્ર વાતાવરણ ધગધગતી ભઠ્ઠી જેવું બની જાય છે. ગામડાંનાં ભાગોળ, ચોટાં, ગલીઓ, શેરીઓ અને શહેરોના રાજમાર્ગો સૂમસામ બની જાય છે. કામ સિવાય કોઈ પણ માણસ બહાર ફરકતો નથી. પશુપક્ષીઓ છાંયડાનો આશ્રય શોધે છે.
ભેંસો તળાવના કાદવમાં પડી રહે છે તો ગાયો કોઈ ઘટાદાર વડલા કે લીમડાનો આશરો લે છે. કૂતરાં અને ઘેટાં-બકરાં પણ ખૂણે-ખાંચરે છાંયડો શોધીને લપાઈ જાય છે. જ્યારે રાની પશુઓ બોડમાં કે વૃક્ષોની છાયામાં પડ્યાં રહે છે.
આમ, ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણીમાત્ર ત્રાહિમામ્ પોકારી ઊઠે છે.
ગ્રીષ્મઋતુમાં તળાવો અને કૂવાઓ પર સૂનકાર છવાઈ જાય છે, ખેતરો નિર્જન બની જાય છે. વાહનવ્યવહાર અને ધાંધલ-ધમાલથી કાયમ ધમધમતાં રહેતાં શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય અને નીરવ થઈ જાય છે. સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે. આવા બળબળતા બપોરે લૂ લાગવાથી કેટલાય માણસો અને પશુપંખીઓ તરફડીને મૃત્યુ પામે છે. ધરતી પણ ઊંડા નિઃશ્વાસ નાખી રહી હોય એવું લાગે છે.
આકાશમાંથી ઉગ્ર તાપ વરસી રહ્યો હોય ત્યારે મનુષ્યની અવદશાનો પાર રહેતો નથી. બળબળતા બપોરે તે પોતાની પ્રવૃત્તિઓ થંભાવી દે છે. વગડામાં ધણને ચરાવવા નીકળેલા ગોવાળિયાઓ વડ કે પીપળાના છાંયડામાં વિશ્રામ કરે છે. કેટલાક લોકો માથે ભીનાં પોતાં મૂકે છે.
બારીબારણાં પર ખસની ટટ્ટીઓ લટકાવવામાં આવે છે. શહેરોમાં લોકો વીજળીના પંખા, ઍરકુલર અને ઍરકંડિશનર વડે ગરમી સામે રક્ષણ મેળવે છે. તાપ અને ઉકળાટથી બચવા માટે કેટલાક લોકો માથેરાન, મહાબળેશ્વર કે માઉન્ટ આબુ જેવાં હવા ખાવાના સ્થળે (Hill Station) જાય છે.
તન અને મનને ટાઢક આપવા માટે લોકો ઠંડાં પીણાંની તેમજ આઇસક્રીમની મોજ માણે છે. ગ્રીષ્મઋતુને પોતાનું આગવું સૌંદર્ય પણ છે. ચારે બાજુ ગરમાળો, ગુલમહોર, કેસૂડો, નીમમંજરી અને આમ્રમંજરી મહોરી ઊઠે છે. જાંબુ, કેરી, કલિંગર, સક્કરટેટી જેવાં મધુર અને ઠંડાં ફળો ગ્રીષ્મઋતુ પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે.
કાકાસાહેબ કાલેલકર જેવા પ્રકૃતિપ્રેમીએ ગ્રીષ્મના મધ્યાહ્નમાંય રસ, સૌંદર્ય અને કાવ્યનું દર્શન કર્યું છે.
ઋતુચક્રને નિયમિત ફરતું રાખવા માટે ગ્રીષ્મનું આગમન અનિવાર્ય છે.
9. ધરતીનો છેડો... ઘર
મુદ્દા: પ્રાસ્તાવિક - ઘર એક આશ્રયસ્થાન - કોને ઘર ન કહી શકાય? - "ધરતીનો છેડો - ઘર" ઉક્તિનું રહસ્ય - ઉપસંહાર
દેશમાં કે પરદેશમાં ફરવા નીકળ્યા હોઈએ, ત્યારે અમુક સમયે આપણને ઘરની યાદ સતાવવા લાગે છે. આવું કેમ થતું હશે? આ પ્રશ્નનો એક જ ઉત્તર છે: સૌને પોતાનું ઘર વહાલું લાગે છે. આથી જ "ધરતીનો છેડો - ઘર" એવી કહેવત પડી છે. સવારે દાણા ચણવા બહાર ગયેલાં પંખીઓ સાંજે પોતાના માળામાં પાછાં ફરે છે. સવારે નોકરી-ધંધે ગયેલા લોકો સાંજે પોતાને ઘેર પાછા આવે છે.
સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં ગાય-ભેંસનાં ધણ લઈ નીકળેલા ગોવાળિયા પણ સાંજે એમનાં ધણ સાથે ઘર ભણી પાછાં વળે છે. આમ માનવી, પશુ અને પક્ષી - એ ત્રણેયને સાંજ પડ્યું, પોતપોતાના ઘરે પાછા ફરવાથી જ ચેન મળે છે.
ઘર એ માણસનું, માળો એ પક્ષીનું અને ગુફા કે બોડ એ હિંસક પશુઓનું આશ્રયસ્થાન છે. સાંજે આ સૌ પોતપોતાના આશ્રયસ્થાનમાં આવીને વિશ્રામ કરે છે. જીવમાત્રને પોતાના ઘરમાં જ નિરાંત અને શાંતિનો અનુભવ થાય છે. "સાંજે ઘરે આવેલો માણસ જમી પરવારીને નિરાંતે બેસે છે.
તે પોતાનાં બાળકો અને પત્ની સાથે સુખદુઃખની વાતો કરે છે. શાળાએથી છૂટી સાંજે ઘેર આવેલાં બાળકો માતા-પિતા અને કુટુંબીજનોની સાથે મોકળા મનથી હળે મળે છે. ઘરના ઉષ્માભર્યા વાતાવરણમાં બાળકોને સારી તાલીમ મળે છે. તેમનામાં માતા-પિતાના ઉત્તમ સંસ્કારો ઊતરે છે.
આમ તો ઘર અને નિશાળ - બંને બાળકની તાલીમશાળા ગણાય છે; પણ બાળકનો મોટા ભાગનો વિકાસ તો તેના ઘરમાં જ થાય છે. જ્યારે ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તમામ કુટુંબીજનો તેની પ્રેમપૂર્વક સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં વડીલોની હાજરીથી બધાને હૂંફ મળે છે.
પરંતુ, જે ઘરના સભ્યોમાં પરસ્પર માટે કોઈ લાગણીનો ભાવ કે માયામમતા ન હોય તેને ઘર ન કહી શકાય. કુટુંબની દરેક વ્યક્તિમાં એકમેકને મદદરૂપ થવાની ભાવના હોય તે ઘર જ સાચું ઘર કહેવાય.
ખીલવું એમાં જરૂરી છે કમળ
ફક્ત જળથી કોઈ સરવર ના બને"
કવિશ્રી રિષભ મહેતાની આ ઉક્તિ ઘરને માટે પણ એટલી જ સાચી છે.
ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પણ માનવીને એ પ્રિય હોય છે. કોઈનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી તોડી ન પડાય એ કહેવતમાં ઘરનો સાચો મહિમા સૂચવાયો છે. માનવીને પોતાના ઘરમાં જે સુખ અને શાંતિનો અનુભવ થાય છે, તે અનુભવ તેને અન્યત્ર ક્યાંય થઈ શકતો નથી.
વ્યક્તિ દુનિયાના ગમે તે ખૂણે જાય, ત્યાં ગમે તેટલી સારી સુખ-સગવડો ભોગવે, પણ આખરે તો એને કંઈક ખૂટતું લાગે છે. આ "કંઈક" એ જ એનું "ઘર" છે.
માણસ ગમે ત્યાં જાય પણ પરત આવી પોતાના ઘરમાં પ્રવેશે ત્યારે જ તેને "હાશ"નો અનુભવ થાય છે. ભાંગ્યું-તૂટ્યું પોતાનું ખોરડુંય માણસને અતિ વહાલું લાગે છે. તેથી જ ધરતીનો છેડો ઘર છે, એમ કહેવાયું છે.
વિશાળ અર્થમાં માણસનું વતન એ તેનું ઘર છે. વતનની માટીમાં આપણને જે આનંદ મળે તે વિદેશના મહાલયોમાંય ન મળે. વતનના ખોરડામાં આપણને જે સુખ-શાંતિ અને હૂંફનો અનુભવ થાય, એ જગતના કોઈ પણ સ્થાને ન થાય. ઘરના રોટલા જેવી મીઠાશ પંચતારક હોટલના વૈભવશાળી ભોજનમાં પણ ન મળી શકે. તેથી જ કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છે:
"વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે."
10. મારા સ્વપ્નનું ભારત
મુદ્દા: ભારત - પવિત્ર અને મહાન ભૂમિ - વર્તમાન દશા - મારા સ્વપ્નનું ભારત - ઉપસંહાર
"સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી "ખમ્મા! ખમ્મા!" હિંમત બોલી અલ્લાબેલી!"
શૂન્ય પાલનપુરી આર્યસંસ્કૃતિ જગતની પ્રાચીનતમ અને અમારી સંસ્કૃતિ છે. ભારતના સાંસ્કૃતિક વારસાને સમસ્ત વિશ્વના લોકો અહોભાવની નજરે જુએ છે. વાલ્મીકિ, વેદવ્યાસ, વસિષ્ઠ અને અગસ્ત્ય જેવા મહર્ષિઓ; શ્રીકૃષ્ણ, રામ, બુદ્ધ અને મહાવીર જેવા અવતારી પુરુષો; કાલિદાસ, બાણ અને ભવભૂતિ જેવા મહાકવિઓ તેમજ વિવેકાનંદ મહાત્મા ગાંધી, સરદાર પટેલ તથા જવાહરલાલ નેહરુ જેવા યુગપુરુષોની આ જન્મભૂમિ છે.
સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે જગતમાં ભારતનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. તત્ત્વજ્ઞાનની તલસ્પર્શી જાણકારી મેળવવા માટે જગતના ચિંતકો આપણા દેશ તરફ જ મીટ માંડે છે.
આવી મહાન પરંપરા ધરાવતા ભારતદેશની આજે કેવી દુર્દશા થઈ ગઈ છે? આઝાદી મળે પાંચ દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં હજુ દેશની મોટા ભાગની પ્રજા અસહ્ય ગરીબીમાં સબડી રહી છે. આજે જગતના ભ્રષ્ટાચારી, ગરીબ અને પછાત દેશોમાં ભારતની ગણના થાય છે.
પણ હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ આશાવાદી છું. આજે મારાં મન:ચક્ષુ સામે ભારતના ભવ્ય ભાવિનું એક સોનેરી સ્વપ્ન ઝળહળી રહ્યું છે.
મારા સ્વપ્નના ભારતમાં પ્રજાજનો સશક્ત અને સુખી હશે. દેશના દરેક નાગરિક પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવતો હશે; એટલું જ નહિ, દરેકને જીવનની પ્રાથમિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ સ્વમાનપૂર્વક મળતી હશે.
મળતી હશે. અત્યારે ભારતમાં નિરક્ષરતા-નિવારણની ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ એક દિવસ એવું રમણીય પ્રભાત ઊગશે કે જ્યારે ભારતનો એક પણ માનવી નિરક્ષર નહિ રહ્યો હોય.
દરેક સ્તરની કેળવણી સરકાર દ્વારા વિનામૂલ્ય અપાતી હશે. ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિ માટે કોઈનો લાચારીપૂર્વક આશરો લેવાની જરૂર નહિ પડે. દેશના દરેક નાગરિકને સમાન હક અને સમાન તક મળતાં હશે. શોષણવિહીન સમાજરચનાનું એ મૂર્તિમંત સ્વરૂપ ખરેખર, આદર્શ અને અદ્ભુત હશે.
આપણા દેશમાં અનાજનું એટલું બધું ઉત્પાદન થતું હશે કે આપણે દુનિયાના દેશોમાં તેની નિકાસ કરતાં હોઈશું. આપણા ઔદ્યોગિક ગૃહોએ અભૂતપૂર્વ હરણફાળ ભરી હશે. ગૃહઉધોગોમાં અસાધારણ વિકાસ સાધીને ગ્રામીણ પ્રજા સમૃદ્ધિના શિખરે પહોંચી હશે. રાજકીય કાવાદાવા અને સંઘર્ષો નામશેષ થઈ ગયાં હશે. કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત જગતમાં મોખરે હશે.
વિશ્વશાંતિની સ્થાપનામાં તે મહત્ત્વનો ફાળો આપતો હશે. "જીવો અને જીવવા દો"ની નીતિ અપનાવનાર ભારત જગતના દેશોને દોરવણી આપતો હશે. આધ્યાત્મિક ક્ષેત્રે ભારતે ભારે વિકાસ સાધ્યો હશે. અહીં વૈજ્ઞાનિક વિકાસનો પણ સુવર્ણયુગ હશે. તમામ સ્તરેથી ભ્રષ્ટાચાર નિર્મુળ થઈ ગયો હશે. કામચોરી, લાંચરુશવત, સંગ્રહખોરી, કાળાંબજાર અને કૌભાંડો જેવી બદીઓનું અહીં કોઈ અસ્તિત્વ જ નહિ હોય.
દેશનો પ્રત્યેક નાગરિક રાષ્ટ્રિય ભાવના, પ્રામાણિકતા અને નિષ્ઠાના ગુણોથી ઓપતો હશે. ઊંચ-નીચ, અમીર-ગરીબ કે સ્ત્રી-પુરુષના ભેદભાવોનો લોપ થઈ ગયો હશે. પ્રત્યેક નાગરિક દેશના ધડતરમાં પોતાનું યોગદાન આપી રહ્યો હશે.
ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન ફળે તે માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. કદાચ મારું સ્વપ્ન સાચું પડે!
11. પ્રાર્થના - હૃદયનો સાચો ખોરાક
મુદ્દા: પ્રાસ્તાવિક - પ્રાર્થના - ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક - પ્રાર્થનાથી થતી આંતરશુદ્ધિ - સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું પ્રાધાન્ય - પ્રાર્થનાનું અદ્ભુત બળ - ઉપસંહાર
પ્રાર્થનાથી હૃદયનું દિવ્ય સ્નાન થાય છે. પ્રાર્થના અપવિત્ર વિચારોને દૂર કરે છે અને નિર્મળ તથા ઉન્નત વિચારોને પોષે છે. પ્રાર્થના માનવીને નમ્ર બનાવે છે અને આધ્યાત્મિક ઉન્નતિના પંથે લઈ જાય છે. આમ, પ્રાર્થના ઉત્તમ વિચારો અને શ્રેષ્ઠ ગુણોનું ઉદ્ભવસ્થાન અને આશ્રયસ્થાન છે. તેથી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય છે.
પ્રાર્થના દ્વારા આપણે સર્વશક્તિમાન ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ. એકાદ સામાન્ય વસ્તુ આપનાર વ્યક્તિનો પણ આપણે આભાર માન્યા વિના રહેતા નથી, ત્યારે જે ઈશ્વરે આપણને હવા, પાણી અને પ્રકાશ જેવાં અદ્ભુત તત્ત્વો બક્ષ્યાં છે તેને યાદ ન કરીએ તો આપણે કૃતઘ્ની જ ગણાઈએ.
પ્રાર્થના જીવનને ઉમદા બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રાર્થના દ્વારા આપણે થોડા સમય માટે પણ સર્જનહારની નજીક પહોંચી જઈએ છીએ. શાળામાં રોજ પ્રાર્થના યોજવાનો મુખ્ય હેતુ પ્રાર્થનાની આદત કેળવવાનો છે. વ્યક્તિગત પ્રાર્થના કરતાં સામૂહિક પ્રાર્થનાનું બળ અનેક ગણું વધારે હોય છે.
કુદરતી આપત્તિઓના પ્રસંગે પણ સમૂહપ્રાર્થનાઓ યોજાય છે. સમૂહપ્રાર્થના દ્વારા મુશ્કેલીઓનો સામનો કરવાની જબરજસ્ત નૈતિક હિંમત પેદા થાય છે. નિયમિત પ્રાર્થના કરનાર પોતાના દોષોને જોઈ શકે છે અને તેમને ક્રમશઃ દૂર કરી શકે છે. પ્રાર્થના કરનારને મનની અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે.
જગતના બધા ધર્મોમાં પ્રાર્થનાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થના માનવીને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થ રહિત બનાવે છે. ખ્રિસ્તી દેવળોમાં દરરોજ પ્રાર્થના કરવામાં આવે છે, અને રવિવારે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. મુસલમાનો દિવસમાં પાંચ વખત નમાજ પઢે છે અને દર શુક્રવારે ખાસ નમાજ અદા કરે છે. મહાત્મા ગાંધી પણ પ્રાર્થનાને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેમની રોજની પ્રાર્થનાસભાઓ ઘણી લોકપ્રિય બની હતી.
પ્રાર્થનામાં અદ્ભુત બળ રહેલું છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. સંતોના ઉપદેશનો પણ આ જ સાર છે કે, "PRAY. IT WORKS." અને પ્રાર્થના કરનાર માનવી કદાપિ નિરાશ થતો નથી. ભક્ત ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે.
દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણ તેને નવસો નવાણું ચીર પૂરાં પાડ્યાં હતાં. સતી સાવિત્રીની પ્રાર્થનાથી યમરાજ પીગળી ગયા હતા અને તેમણે સત્યવાનને પુનર્જીવિત કર્યો હતો. નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણ શામળદાસ શેઠના રૂપે આવીને કુંવરબાઈનું મામેરું ધામધૂમથી કરી આપ્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને હુમાયુનો જાન બચાવી શક્યો હતો.
પ્રાર્થના સંજીવની છે. પ્રાર્થના શ્રમિત લોકોનો વિસામો અને હતાશ લોકોની આશા છે. પ્રાર્થના પાવનકારી અને કલ્યાણકારી તત્ત્વ છે. માનવીએ સાચા હૃદયથી અને નિયમિતપણે પ્રાર્થના કરવી જોઈએ. તેણે ઈશ્વર પાસે ધન કે કીર્તિની નહિ પણ સદ્ગુણોની યાચના કરવી જોઈએ. પ્રાર્થના મનુષ્યને ઈશ્વરની સમીપ લઈ જનારું એક દિવ્ય સાધન છે.
12. વૃક્ષોનું જતન, આબાદ વતન
મુદ્દા: પ્રાસ્તાવિક - વૃક્ષોની ઉપયોગિતા - વસ્તીવધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો - પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ અને ઉપસંહાર
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત
પ્રશ્નપત્રમાં નિબંધલેખન માટે ત્રણ વિષય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ એમાંથી ગમે તે એક પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે.
નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
- વિચારીને કોઈ એક વિષય પસંદ કરો.
- રૂપરેખા નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાઓને ક્રમમાં ગોઠવો.
- આરંભઃ નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. બંધબેસતા અવતરણો કે સુંદર પંક્તિઓથી કરેલી શરૂઆત વધારે આકર્ષક બને.
- મધ્યભાગઃ આમાં વિષયલક્ષી ચર્ચા કરવી. મહત્ત્વના તમામ મુદ્દાઓને સંક્ષેપમાં આવરી લેવા.
- અંતઃ ત્રણ-ચાર અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય સમજાવો.
- નિબંધમાં ચાર-પાંચ પરિચ્છેદ હોવા જોઈએ.
- નિબંધની ભાષા વ્યાકરણની દષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. લેખનમાં સરળ શબ્દો અને યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરવો.
- નિબંધમાં વિચાર અને ભાવની દષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું.
Free study material for Gujarati
GSEB Solutions Class 12 Gujarati નિબંધલેખન
Students can now access the GSEB Solutions for નિબંધલેખન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for નિબંધલેખન
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 12 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for નિબંધલેખન to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 12 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in printable PDF format for offline study on any device.